હિન્દુ પંચાંગ અનુસાર કાર્તિક માસની અમાસના દિવસે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. દિવાળી એટલે પ્રકાશનો તહેવાર. આ દિવસોને સારા દિવસો માનવામાં આવે છે એટલે મોટાભાગે અગિયારસથી જ દરેક ઘરોમાં દીવા મૂકવાની શરૂઆત થઇ જતી હોય છે. કહેવાય છે કે રાજા રામ જ્યારે રાવણને હરાવીને સીતા માતા અને લક્ષ્મણજી સાથે અયોધ્યા આવ્યા ત્યારે દિવાળીનો સમય હતો, અયોધ્યામાં ખુશીનો માહોલ હતો, પોતાના રાજાને આવકારવા અયોધ્યાને દીવડાંથી શણગારી હતી. આ એક માન્યતા તો છે, એ સિવાય ધાર્મિક માન્યતાઓ એવી છે કે દિવાળીની વહેલી સવારે અને એ દિવસે રાત્રે લોકો લક્ષ્મીજીને આવકારવા માટે ઘરની બહાર દીવડાં મૂકતાં હોય છે. દિવાળીને અમાસની રાત કહેવાય છે એ દિવસે અંધકારમાં પ્રકાશ પાથરવા દીવાઓ મૂકવામાં આવતાં હોય છે. આ તો થઈ ધાર્મિક માન્યતા, જ્યારે જ્યોતિષશાસ્ત્રની પણ પોતાની આગવી માન્યતા છે. જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે દિવાળીમાં માટીના કોડિયામાં સરસિયાનું તેલ પૂરીને દીવો કરવાથી શનિ ગ્રહ અને મંગળ ગ્રહ મજબૂત બને છે, જે માણસનાં તમામ કષ્ટો દૂર કરે છે, જ્યારે ઘીથી કરેલો દીવો લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે. અલબત્ત, સમય બદલાતો ગયો એમ શણગારમાં પણ બદલાવ આવતો ગયો છે, પહેલાં ઘરની બહાર માત્ર દીવા મુકાતાં જ્યારે હવે લાઇટ પણ કરવામાં આવે છે, લોકો રંગબેરંગી રોશની કરીને દિવાળી સમયે ઘરને ઝગમગાટ કરી દેતા હોય છે.