મંદિરમાં માતા લક્ષ્મીજી સહિત અન્ય દેવી દેવતાઓની પણ છે મૂર્તિઓ
7 શુક્રવાર સુધી માતાજીના દર્શન કરવાથી પૂરી થાય છે મનોકામનાઓ
સવારે સફેદ, બપોરે પીળી અને સાંજે ભૂરા રંગની બની જાય છે મૂર્તિ
જીવનમાં રોશની અને ઉમંગનો તહેવાર દિવાળી આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની વિશેષ પૂજા કરાય છે. કહેવાય છે કે ધનની દેવીની વિશેષ કૃપા રહે તો જીવનમાં રૂપિયાની ખામી રહેતી નથી. સુખ અને સમૃદ્ધિ માટે દિવાળીનું પૂજન શુભ માનવામાં આવે છે. ભારતમાં દેવી દેવતાના અનેક એવા મંદિર છે જે ચમત્કારિક માનવામાં આવે છે. ક્યાંક પ્રતિમા ગર્ભગૃહથી જાતે બહાર આવે છે તો ક્યાંક તેનો આકાર બદલાઈ જાય છે.
અહીં છે માતા લક્ષ્મીનું ખાસ મંદિર
મધ્યપ્રદેશના જબલપુરમાં એક મંદિર છે જ્યાં દેવીની મૂર્તિનો કલર પણ બદલાય છે. કહેવાય છે કે આ મંદિરમાં દર્શન અને પૂજા પાઠ કરવાથી મનોકામના પૂરી થાય છે. ઘરમાં ક્લેશ, રૂપિયાની તકલીફ જેવી અનેક સમસ્યાનું સમાધાન તમે આ મંદિરમાં મેળવી શકો છો. તો જાણો અન્ય ખાસિયતો વિશે પણ.
માતા લક્ષ્મીનું અનોખું મંદિર
મધ્યપ્રદેશના જબલપુરમાં આવેલું પચમઠા મંદિર ભક્તોમાં ખાસ છે. કહેવાય છે કે તેનો ઈતિહાસ 1100 વર્ષ જૂનો છે. તેનો સંબંધ ગોંડવાના શાસનની રાણી દુર્ગાવતા સાથે છે. માનવામાં આવે છે કે રાણીના દીવાન આધાર સિંહના નામે બનેલા આધારતાલ તળાવમાં આ મંદિરને બનાવાયું હતું. આ મંદિર માતા લક્ષ્મીને સમર્પિત છે અને અહીં અન્ય અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ છે.
મૂર્તિ બદલે છે રંગ
આ મંદિર તંત્ર સાધના માટે જાણીતું છે પણ આ મંદિરની ખાસિયત છે કે અહીં સ્થાપિત માતા લક્ષ્મીની મૂર્તિ 3 વાર રંગ બદલે છે. આ કારણે તેના અનોખા મંદિરના લિસ્ટમાં સામેલ કરાયું છે. માનવામાં આવે છે કે સવારના સમયે પ્રતિમાનો રંગ સફેદ, બપોરે પીળો અને સાંજે ભૂરો થાય છે. એટલું નહીં મંદિરમાં માતાના ચરણોમાં સૂરજના કિરણો પડે છે. લોકોનું માનવું છે કે સૂર્ય દેવ માતા લક્ષ્મીને પ્રણામ કરે છે.
ક્યારે રહે છે ભીડ
આ મંદિરમાં મૂર્તિનો રંગ બદલવાનું ખાસ રહસ્ય છે. આસ્થામાં ડૂબેલા ભક્તોની અહીં ભીડ રહે છે. અહીં શુક્રવારના દિવસે પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. આ કારણે આ મંદિરમાં શુક્રવારે વધારે ભીડ રહે છે. માતાના ભક્તો દર્શન માટે પ્રતિજ્ઞા પણ લે છે. માનવામાં આવે છે કે 7 શુક્રવારના દર્શન કરવાથી મનોકામના પૂરી થઈ શકે છે.